
ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે, જે સાંભળી આપણે ચોંકી જઇએ છીએ. હાલમાં સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સ્તનપાન બાદ ઘોડિયામાં સુતેલા માસુમ બાળકનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. માતાએ સ્તનપાન બાદ બાળકને ઘોડિયામાં સુવડાવ્યુ હતુ. આ ઘટના કાપોદ્રા યમુના કુંજ સોસાયટીમાં બની હતી.
નીતાબેન ખૈનીએ પોતાના ત્રણ માસના બાળકને સ્તનપાન કરાવી ઘોડિયામાં સૂવાડ્યો અને પછી જ્યારે તેઓ અર્થવને ઉઠાડવા ગયા તો તે ઉઠ્યો નહોતો. માસૂમ અર્થવને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયુ હતું. જો કે, તબીબી સારવાર મળે તે પહેલા જ અર્થવનું મોત નિપજ્યું હતું. એવી આશંકા સેવાઇ રહી છે કે, શ્વાસ નળીમાં દૂધ અટકી જતા તેનું મોત થયુ હતુ. ઘટના અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.
જણાવી દઇએ કે, ડોક્ટર અનુસાર નવજાત બાળકને સ્તનપાન કરાવ્યા બાદ તેને સીધું રાખી ઓડકાર આવે પછી જ સુવડાવવામાં આવે છે. ક્યારેક સ્તનપાન બાદ બાળકને દુધ ઉપર આવે તો તે શ્વાસ નળીમાં જવાના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકનું મોત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે માતાનું દૂધ માત્ર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નવજાત માટે સ્વાસ્થ્ય સિવાય અન્ય ઘણા કારણોસર માતાનું દૂધ જરૂરી છે. જેમ કે તેના જ્ઞાનાત્મક, માનસિક અને શારીરિક વિકાસ માટે..જોકે, ઘણીવાર આવા કિસ્સા સામે આવે છે, જેમાં બાળકની શ્વાસનળીમાં દૂધ અટકી જતા તેનું મોત નિપજતુ હોય છે.