શિયાળામાં કેટલીક વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઠંડી શરૂ થતા જ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે બજારમાં આવી જાય છે અને લોકો પણ આવી વસ્તુઓને ખાવાની ભરપૂર મજા માણતા હોય છે, કેટલીય વસ્તુઓ એવી છે જે શિયાળામાં જ મળે છે અને રોડ પર વેચાતી આ વસ્તુઓને લઈને તેને ખાવાનો આનંદ જ અલગ હોય છે. જેમ ચોમાસામાં મકાઈ ખાવાનું લોકો વધારે પસંદ કરે છે એમ જ શિયાળામાં પોંક ખાવાનો પણ લોકો વધુ પસંદ કરતા હોય છે.
ડિસેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે ત્યારે રોડ પર રોજના હજારો કિલો પોંકનું વેચાણ પણ શરુ થઇ ગયું છે, રસ્તા પર ઘઉં અને જુવારના પોંક મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે અને લોકો આ પોંકને હોંશે હોંશે ખાઈ રહ્યા છે. વડોદરાથી સુરત જતા હાઇવે પર કરજણ પાસે ઠેર ઠેર તમને જુવારનો પોંક મળી જશે, અને હાઇવે પર જ લોકો ગાડીઓ તેમજ બસો ઉભી રાખીને ખાતા હોય છે અને પેક કરીને સાથે લઇ પણ જતા હોય છે.
આ ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લાઓમાં ઘઉંના પોંકનું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ઘણા લોકો એવા પણ હોય છે જે તેમના સ્નેહી, સ્વજનો કે મિત્રો જો એ તરફ જતા હોય તો તેમની પાસે પોંક મંગાવતા હોય છે અને ઘરે બેઠા બેઠા પણ પોંક ખાવાનો આનંદ માણતા હોય છે. પોંક પણ ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે સાથે તે સ્વાસ્થ્ય વર્ધક પણ છે જેના કારણે પોંક લોકોને વધુ પસંદ આવે છે.
બજારમાં આ વર્ષે અલગ અલગ ભાવે પોંક વેચાઈ રહ્યો છે. રોડ પર પોંક સાથે તીખી સેવ, પુદીના સેવ પણ આપવામાં આવે છે, જેના કારણે પોંકનો સ્વાદ બમણો થઇ જાય છે. ત્યારે સુરત તરફ તો હવે પોંકના વડા પણ બજારમાં મળી રહ્યા છે, જેને પણ લોકો હોંશે હોંશે ખાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતા જ પોંક બજારમાં આવી જાય છે અને લોકો તો હવે મિત્ર મંડળ અને સ્નેહી સ્વજનો સાથે પોંક ખાવાનો આનંદ પણ માણતા હોય છે.