
છેલ્લા ઘણા સમયથી ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે, પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને ચકચારી મચાવી દીધી છે. એક 20 વર્ષની દીકરીએ એટલા માટે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું કે તેના ઘરની બહાર બેંક દ્વારા નોટિસ ચોંટાડવામાં આવી હતી અને આ વાતથી જ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
કેરળના કોલ્લમમાંથી આ ઘટના સામે આવી છે. એક 20 વર્ષની એક યુવતીએ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મામલો શુરાનાડો પોલીસ સ્ટેશન વિસ્તારના થ્રીકુનાપ્પુઝા વિસ્તારનો છે. મૃતકના પરિજનોનો આરોપ છે કે તેમણે કેરળ બેંકમાંથી 10 લાખ રૂપિયાની લોન લીધી હતી. કેટલાક કારણોસર તે હપ્તો ભરી શક્ય નહોતા, તેથી બેંકે તેમના ઘરની બહાર પ્રોપર્ટી એટેચમેન્ટ નોટિસ ચોંટાડી દીધી હતી. જેના કારણે યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ, 20 વર્ષીય અભિરામી અજી કુમાર અને શાલિનીની એકમાત્ર દીકરી હતી.
ગત મંગળવારે માતા-પિતા કોઈ કામ માટે બહાર હતા ત્યારે અભિરામીએ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધી હતી. માતા-પિતા ઘરે પહોંચ્યા તો દીકરીની લાશ જોઈ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જોકે, મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તેના માતા-પિતાનું કહેવું છે કે બેંકની નોટિસને કારણે તે ડિપ્રેશનમાં હતી.
આ મામલે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, “તેણે પાંચ વર્ષ પહેલા કેરળ બેંકની પાથારામ શાખામાંથી રૂ. 10 લાખની લોન લીધી હતી. તે સમયે તે વિદેશમાં નોકરી કરતો હતો. તે તમામ હપ્તા પણ સમયસર ચૂકવતો હતો. આ દરમિયાન કોરોના મહામારીના કારણે લોકડાઉં લાદવામાં આવ્યું.” અજી કુમારે વધુમાં જણાવ્યું હતું કે, “તેણે પોતાની વિદેશી નોકરી છોડીને કેરળ પરત આવવું પડ્યું હતું. તેના કારણે પૈસાની અછત હતી.
તેમને આગલ જણાવ્યું કે લોનના રૂ. 1.5 લાખ ચૂકવવાના બાકી હતા, જેના માટે તેણે સરકાર પાસેથી સમય પણ માંગ્યો હતો. પરંતુ, બેંકે ફરીથી તેમના ઘરની બહાર નોટિસ પણ લગાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે આ ઘટના બાદ અભિરામી ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. તેણે ઘરે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધી રહી છે. દરેક એંગલથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ બેંકનું કહેવું છે કે આ આરોપ પાયાવિહોણા છે.