છેલ્લા ઘણા સમયથી સરકારી બાબુઓના લાંચ લેવાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કામ કરવા માટે સરકારી બાબુઓ નાની મોટી રકમ માંગતા હોય છે. ઘણા લોકો કામની પતાવટ માટે રકમ આપી પણ દેતા હોય છે, પરંતુ ઘણીવાર આવા મામલા અંગે માહિતી મળતા ACBની ટીમ સક્રિય થઇ જતી હોય છે અને છટકુ ગોઠવી લાંચ લેનારને ઝડપી પાડતી હોય છે. ત્યારે હાલમાં વધુ એક કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોના હાથે ઝડપાયો છે. ACBના હાથે જે લાંચ લેનાર ઝડપાયો છે, તે GST વિભાગ 1.40 લાખ રૂપિયાનો પગારદાર છે.
ACBએ છટકું ગોઠવીને આ અધિકારીને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. જણાવી દઇએ કે, સુરતમાંથી સરકારી કર્મચારી લાંચ લીધા વગર કામ ન કરતા હોવાની ફરિયાદો સતત સરકાર પાસે આવી રહી હતી અને આ ફરિયાદોને આધારે આવા લાંચ લેતા લોકોને પકડી પાડવા માટે ACB વિભાગ સતત કામ કરી રહ્યુ છે. ગતરોજ પણ એક આવો જ અધિકારી લાંચ લેતો ઝડપાતા ACBએ કાર્યવાહી કરી છે.જીએસટીના સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ 5000ની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો હતો. તેનો માસિક પગાર 1.40 લાખ છે અને તેની નિવૃત્તિના 8 વર્ષ બાકી છે.

તેણે જીએસટી રીંફડના નાણાં રીલીઝ કરવા 5 હજારની લાંચ માંગી હતી અને આની જાણ થતા એસીબીના સ્ટાફે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા ઝડપવા છટકુ ગોઠવ્યુ હતુ. GST અધિકારી રંગેહાથે ઝડપાઇ જતા તેનો પરસેવો છુટ્ટી ગયો હતો. સુશીલ અગ્રવાલ નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે અને તેણે ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રીફંડના નાણા મેળવવા પ્રોસેસ કરી હતી

અને રીંફડના નાણા રીલીઝ કરવા 5 હજારની માંગ કરી હતી.જેથી ટેક્ષ કન્સલ્ટન્ટે ACBમાં આ મુદ્દે ફરિયાદ કરી અને પછી સુરત એસીબી સ્ટાફે ગુરુવારના રોજ નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સુપ્રિટેન્ડન્ટને ઓફિસમાંથી 5 હજારની લાંચમાં પકડી પાડયો હતો. લાંચની રકમ લાંચીયાએ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી. આ કેસમાં મોડી રાત સુધી એસીબીના સ્ટાફે સુપ્રિટેન્ડન્ટના સિટીલાઇટ ખાતે આવેલા ઘરે તપાસ આદરી હતી.