ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. હાલમાં આણંદના ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામેથી દુષ્કર્મનો એવો કિસ્સો સામે આવ્યો છે, જે પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડે છે. એક સગા બાપે જ પોતાની 13 વર્ષની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી અને પોતાનું પાપ છૂપાવવા માટે તેણે દીકરીના બાળલગ્ન પણ કરાવી દીધા. જો કે, ઘટનાની જાણ દીકરીની માતાને થતા તેણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ તો આ ઘટનાને લઇને ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણદના ઉમરેઠના ઉંટખરી ગામે રહેતા અને કડિયાકામે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા 42 વર્ષીય શખ્સે થોડા વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેટા લીધા હતા અને ત્રણ સંતાનો પૈકી એક 13 વર્ષીય પુત્રી પિતા સાથે રહેતી હતી. આ જ પુત્રીને તેણે પોતાની હવસનો શિકાર બનાવી અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું. જેના કારણે સગીરા ગર્ભવતી બની
અને 3 મહિના પહેલા જ સંતાનને જન્મ આપ્યો. જો કે, તેણે પોતાનું પાપ છૂપાવવા માટે તેના 25 વર્ષના યુવક સાથે બાળલગ્ન કરાવ્યા. સમગ્ર બનાવ અંગેની જાણ થતાં ભાલેજ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી મેડિકલ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે તપાસ હાથ ધરી છે. બાપે ઘરમાં દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવવા વાળી વાત નાનકડા ગામમાં ફેલાતા ચકચાર મચી ગઇ છે.