કુદરતે અઢળક બક્ષિસ આપેલ છે અને એ બક્ષીસોમાંથી બનતી ઔષધિ વિશે આપણે ઘણું સાંભળ્યું છે અને આજે આપણે એવી જ એક ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઔષધિ વિશે તમે સાંભળ્યું હશે તેનું નામ છે ચણોઠી.
ચણોઠી અથવા રત્તી (Coral Bead) વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી (શાકભાજી) જેવાં હોય છે. તેની શીંગનો આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી 4-5 ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ એના બીજના રંગમાં ભેદ જોવા મળે છે.
મોટેભાગે મળી આવતી ચણોઠીનો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકારનુ ઝેર માનવામા આવે છે. પરંતુ જો આ ચણોઠીને ઔષધિના રૂપમા ઉપયોગ કરવામા આવે તો તેનાથી ઘણા લાભ થાય છે. આ ચણોઠીનો ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલ ઝેરને દુર કરવામાં આવે છે. આ સિવાય બીજા સફેદ રંગમા પણ ચણોઠી મળી આવે છે.
ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોઠી, વીર્યવર્ધક (ધાતુને વધારનારી), બળવર્ધક (તાકાતને વધારનારી), તાવ (જ્વર), વાત, પિત્ત, મુખ શોષ, શ્વાસ, તૃષા, આંખોના રોગ, ખુજલી, પેટના કીડાઓ (કરમિયાં), કુષ્ટ (કોઢ) રોગને નષ્ટ કરનારી તથા વાળને માટે લાભકારી હોય છે. ચણોઠી અત્યંત મધૂર, પુષ્ટિકારક, ભારે, કડવી, વાતનાશક બળદાયક તથા રુધિર વિકારનાશક હોય છે. ચણોઠીનાં બીજ વાતનાશક અને અતિ વાજીકરણ હોય છે.
આને ઝેરી માનવામાં આવે છે તો તેનું ઝેર કેવી રીતે દૂર કરવું?
ચણોઠીને ઔષધિ તરીકે વાપરવા અને તેનું ઝેર દૂર કરવા તેને પાણીમાં નાખી અને ત્રણ કલાક ઉકાળવામાં આવે છે જેથી તેનું ઝેર નીકળી જાય છે. ચણોઠીમાં વિષાક્ત તત્વો હોય છે. તેનું ઝેર નીકળી ગયા બાદ તેને ઔષધિ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો.
ચમત્કારી ચણોઠી –
આ ચણોઠીના મુળિયાને પાણીમા ઘસીને લગાવવાથી માથાનો દુખાવો, આધા શીશી, આંખે અંધારા કે ચક્કર આવવા તેમજ રતાંધળાપણા જેવી તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. સાથે જ સફેદ ચણોઠીના પાન ખાવાથી ગળામાં થતી સમસ્યાઓ જેવી કે અવાજ બેસી જવો, ઉધરસ વગેરેમાંથી છુટકારો મળે છે. વધુમાં ખરતા વાળ અને સાથે જ પુરુષોને માથામાં પડેલ ટાલથી પણ છુટકારો અપાવે છે.
સફેદ ચણોઠી સિવાય લાલ ચણોઠીના પાંદડાના રસને જીરું અને સાકર સાથે મિક્સ કરીને ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે. ભાંગરાના પાંદડાનો રસને પાણીમાં નાખી તેમાં તલનુ તેલ નાખી એક મિશ્રણ તૈયાર કરો. જેનાથી ચામડીના રોગ દૂર થશે.
ધ્યાનમાં રાખવા જેવી વાત –
ચણોઠીનો ઉપયોગ કર્યો પહેલા ત્રણ કલાક તેને ઉકાળવાનું ભૂલતા નહીં. અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલ્ટી અને ઝાડા થઇ જાય છે. ચણોઠીનાં મૂળ ભ્રમવશ જેઠીમધના સ્થાન પર પણ પ્રયુક્ત કરવામાં આવતાં હોય છે.