ઇમરાનને બચાવનારની કહાની : ગોળી મારવા જઇ રહ્યો હતો હુમલાવર, ઇબ્તિસામ ફરિશ્તા બનીને આવ્યો
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને એક છોકરાએ બચાવ્યો. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ છોકરાએ ગોળીબારી કરનાર વ્યક્તિના હાથમાં સમય રહેતા બંદૂક જોઇ લીધી અને ગોળી ચલાવતા સમયે તેનો હાથ પકડી તેને નીચે કરી દીધી. એટલું જ નહિ, જ્યારે હુમલાખોરે ત્યાંથી ભાગવાની કોશિશ કરી તો તેની પાછળ દોડી તેણે દબોચી લીધો.
પાછળથી આ છોકરાને ટોળાએ ઉપાડી લીધો અને તેની પ્રશંસા કરી. પાકિસ્તાનમાં ઘણા પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ આ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કરી રહ્યા છે. ઈમરાન ખાનનો જીવ બચાવનાર છોકરાનું નામ ઈબ્તિસામ જણાવવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન 3 ઓક્ટોબરના રોજ ગુંજારાવાલામાં એક રેલી દરમિયાન ગોળીબારથી બચી ગયા હતા. તેમને પગમાં ગોળી વાગી છે.
આ ફાયરિંગમાં ઈમરાન પોતાનો જીવ પણ ગુમાવી શકતા હતા, પરંતુ માત્ર 10 ફૂટ દૂર ઊભેલા ઈબ્તિસામે આ ઘટનાને અટકાવી હતી. ઈમરાનનો જીવ બચાવવામાં ઈબ્તિસામની મોટી ભૂમિકા છે. ઈમરાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે પણ ઈબ્તિસામનો આભાર માન્યો છે. ઈમરાન ખાનને પગમાં ત્રણ-ચાર ગોળી વાગી હતી. લક્ષ્ય ચૂકી ગયા પછી, હુમલાખોર તરત જ ભાગી ગયો, પરંતુ ઇબ્તિસામ તેની પાછળ દોડ્યો અને તેને દબોચી લીધો. બાદમાં સુરક્ષાકર્મીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે ઈમરાન ગુંજારાવાલામાં એક રેલી દરમિયાન કન્ટેનર પર ઉભા રહીને સમર્થકોનું અભિવાદન કરી રહ્યા હતા. ગોળી વાગતા જ ઈમરાન ખાન પડી ગયા. ઈમરાન હાલ હોસ્પિટલમાં છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ઈબ્તિસામે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે જ્યારે તેણે જોયું કે હુમલાખોર ગોળીબાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેણે તરત જ તેની બંદૂક પકડી અને તેને આકાશ તરફ ઊંચી કરી.
Viral Video of The man who saved the life of former Pakistan prime minister Imran Khan pic.twitter.com/aqW4JXUQE7
— Siraj Noorani (@sirajnoorani) November 3, 2022
આ કારણે તે ઈમરાન ખાન પર ગોળીબાર કરી શક્યો ન હતો. ઇબ્તિસામે કહ્યું કે જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી ખાન સાહબ (ઈમરાન ખાન) પર આંચ નહિ આવી શકે. ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) એ શુક્રવારે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન સાથે એકતા વ્યક્ત કરી હતી. સંગઠનના મહાસચિવે ઈમરાન ખાનની હત્યાના પ્રયાસની નિંદા કરી હતી.