
રાજયમાં ઉનાળાની ઋતુના સમયે માવઠાની સિઝન જામી છે. એક બાદ એક માવઠા ગુજરાતને પણ ધમરોળી રહ્યા છે, અને આની અસર વધારે ખેડૂતો પર પડી રહ્યો છે, કારણ કે આ સિઝનમાં માવઠાને કારણે પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિદ અંબાલાલ પટેલ દ્વારા માવઠા અંગે મોટી આાગહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જૂન મહિના સુધી માવઠાની આગાહી કરી છે અને આ ઉપરાંત તેમણે સર્પદંશ અંગે પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલ અનુસાર, 17 જૂન પછી આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે અને તે બાદ સાપના ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કરા પણ પડવાની આગાહી વ્યકત કરાઇ છે. અંબાલાલ પટેલે આ વખતે માવઠા સાથે સાથે સર્પદંશની પણ આગાહી કરી છે. આ ઉપરાંત કમોસમી વરસાદ સાથે કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી કરાઇ છે. 17 જૂન પછી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતી પણ સેવાઇ રહી છે.
અંબાલાલ પટેલે આગળ જણાવ્યુ કે, 31મી માર્ચ સુધી ફરી માવઠું થઇ શકે છે અને પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થશે. ગુજરાત માટે ત્રણ દિવસ ભારે હોવાનું પણ તેમણે જણાવ્યુ છે. અંબાલાલ પટેલ અનુસાર, 22 એપ્રિલના રોજ એટલે કે અખાત્રીજના દિવસે પણ માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ આંધી-વંટોળ આવી શકે છે અને આ સાથે તેમણે એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે.