
ટીવી અને ફિલ્મ અભિનેત્રી નીલુ કોહલીને લઇને હાલ એક દુખદ ખબર સામે આવી રહી છે, અભિનેત્રીના પતિ હરમિન્દર સિંહ કોહલીનું નિધન થઇ ગયું છે. આ ઘટના ગત દિવસે બપોરે બની હતી. તે એકદમ સ્વસ્થ હતા પણ ગુરુદ્વારાથી પરત ફર્યા બાદ શુક્રવારે બપોરે તે બાથરૂમમાં લપસી જતા પડી ગયા હતા અને તેમનું મોત થયુ હતુ. તેમના મૃત્યુ સમયે, ઘરે ફક્ત એક હેલ્પર જ હતો. ગુરુદ્વારાથી આવ્યા બાદ હરમિન્દર સિંહ બાથરૂમમાંથી ઘણીવાર સુધી બહાર ન નીકળતા હેલ્પર ચેક કરવા ગયો ત્યારે તેઓ બાથરૂમમાં પડેલા જોવા મળ્યા હતા.
જો કે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. નીલુ કોહલીની દીકરીએ ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેના પિતાનું અકસ્માતે અવસાન થયું છે. તેના પિતાના નિધન બાદ તેની માતા અને અભિનેત્રી નીલુ કોહલીની હાલત સારી નથી. તેમને મોટો આઘાત લાગ્યો છે. જણાવી દઇએ કે, નીલુ કોહલીએ પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ ‘દિલ ક્યા કરે’થી કરી હતી. બાદમાં તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે હાલમાં જ પીરિયડ ડ્રામા ‘જોગી’માં જોવા મળી હતી.
આ સિવાય તે ટીવી શો ‘યે ઝુકી ઝુકી સી નજર’માં જોવા મળી હતી.’તાજેતરમાં તેણે સુનીલ ગ્રોવર સાથેના નવા પ્રોજેક્ટ ‘યુનાઈટેડ કચ્ચે’નું ટ્રેલર લોન્ચ કર્યું હતું જેમાં તે સુનીલની માતાનું પાત્ર ભજવી રહી છે. નીલુ કોહલીએ ‘સંગમ’, ‘મેરે અંગને મેં’, ‘છોટી સરદારની’, ‘મેડમ સર’, ‘જમાઈ રાજા’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે ‘હાઉસફુલ 2’, ‘હિન્દી મીડિયમ’ અને ‘પટિયાલા હાઉસ’ જેવી ફિલ્મો પણ કરી છે.