શ્રદ્ધાની હત્યા બાદ પૈસા ટ્રાન્સફર, પછી સબૂતોને મિટાવવા..શું-શું કર્યુ આફતાબે ? અત્યાર સુધી થયા આ ખુલાસા

દિલ્હીના મહેરૌલીમાં દિલધડક હત્યા કેસની પોલીસ તપાસ કરી રહી છે. દેશભરમાં ચકચારી જગાવતા શ્રદ્ધા હત્યાકાંડ પોલિસ માટે પણ ઘણો જ પડકારજનક કેસ છે. આ કેસમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે અને આગળ પણ ઘણા થઇ શકે છે. શ્રદ્ધા વોકર હત્યા કેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા શરૂઆતથી જ દિલ્હી અને મુંબઈ પોલીસને ચકમો આપી રહ્યો હતો. આફતાબે દિલ્હી પોલીસ અને મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે 22 મેના રોજ શ્રદ્ધા ઝઘડા બાદ ઘરેથી નીકળી ગઈ હતી. આફતાબે એ પણ જણાવ્યું કે તેણે માત્ર તેનો ફોન લીધો હતો. જ્યારે કપડા અને અન્ય સામાન અહી મુકી ગઇ હતી.

પરંતુ, પોલીસે આફતાબના નિવેદન પર બિલકુલ વિશ્વાસ ન કર્યો. આ પછી પોલીસે જ્યારે આફતાબ અને શ્રદ્ધાની કોલ ડિટેઈલ અને લોકેશન ચેક કર્યું તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. તપાસમાં પોલીસને ખબર પડી કે 26 મેના રોજ શ્રદ્ધાની નેટ બેંકિંગ એપ્લિકેશનમાંથી આફતાબના ખાતામાં 54 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે આફતાબે પોલીસને જણાવ્યું હતું કે તે 22 મેથી શ્રદ્ધાના સંપર્કમાં નથી. આ આફતાબની પહેલી સૌથી મોટી ભૂલ હતી, આ જાળમાં તે પોતે જ ફસાઇ ગયો.

આટલું જ નહીં, 31 મેના રોજ શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના મિત્ર સાથેની ચેટ પણ સામે આવી હતી. જ્યારે પોલીસે શ્રદ્ધાના ફોનનું લોકેશન કાઢ્યું તો તે દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું બહાર આવ્યું. 26 મેના રોજ થયેલી પૈસાની લેવડ-દેવડનું લોકેશન પણ મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હોવાનું બહાર આવ્યું છે.પોલીસે જ્યારે આફતાબને પૂછ્યું કે જ્યારે તે 22 મેના રોજ ઘરેથી નીકળી હતી તો તેનું લોકેશન મહેરૌલીમાં કેમ આવી રહ્યું છે? આફતાબ આનો જવાબ ન આપી શક્યો અને પોલીસ સામે તૂટી પડ્યો. જે બાદ તેણે પોલીસને શ્રદ્ધાની હત્યાની આખી ભયાનક કહાની જણાવી.

પોલિસ એ મામલાની પણ તપાસ કરી રહી છે કે શું આફતાબને અન્ય કોઈએ સાથ આપ્યો હતો, એટલે કે આ કેસમાં આફતાબ સિવાય કોઇ બીજુ પણ સામેલ છે કે નહિ. જો કે આરોપીએ આ વાતનો ઈન્કાર કર્યો છે, પરંતુ પોલીસ નાર્કો ટેસ્ટ કરાવીને આ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે આફતાબ તપાસમાં સહકાર નથી આપી રહ્યો. તે શ્રદ્ધાના મોબાઈલની સાથે સાથે તેણે કયા હથિયારથી મૃતદેહના ટુકડા કર્યા તેની માહિતી આપી રહ્યો નથી. શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. દિલ્હીની સાકેત કોર્ટે મંજૂરી આપી છે. પોલીસે આરોપીના નાર્કો ટેસ્ટ માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.

આ કેસમાં મહેરૌલીના જંગલમાં નાળામાંથી કેટલાક હાડકાં મળી આવ્યા છે. જે હાડકા મળી આવ્યા છે તે શરીરના પાછળના ભાગના છે.પીઠની કરોડરજ્જુની નીચે શરીરનો મોટો ભાગ મળી આવ્યો છે.દિલ્હી પોલીસ ટૂંક સમયમાં શ્રદ્ધાના પિતાને ડીએનએ સેમ્પલ માટે બોલાવશે. જે બાદ બ્લડ સેમ્પલ અને હાડકાના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે.જણાવી દઇએ કે, શ્રદ્ધા અને આફતાબ બંને 2019થી લિવ-ઈનમાં રહેતા હતા. બંને વચ્ચે અનેકવાર ઝઘડા પણ થતા હતા અને એક દિવસ ઝઘડામાં જ તેણે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. એટલું જ નહિ તેણે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને તેને 20-22 દિવસ સુધી થોડા થોડા કરી જંગલમાં નાખ્યા હતા.

ayurved

Not allowed