
છેલ્લા કેટલાક દિવસોથી ઇ-સિગારેટ ઘણી ચર્ચામાં છે, જેનું કારણ વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં એક યુવતિ દ્વારા ઇ સિગારેટ ફૂંકી ધુમાડા કાઢી ગરબે ઘૂમવામાં આવ્યુ હોવાનું છે. જેનો વીડિયો વાયરલ થયા બાદ ઘણી ચકચાર મચી ગઇ હતી. હવે યુવા વર્ગ ઇ-સિગારેટ તરફ વળ્યો છે. ત્યારે હાલમાં પોલિસે કેટલીક જગ્યાએ રેડ કરી ઈ-સિગારેટનો જથ્થો કબજે કર્યો છે. અમદાવાદ SOGએ કે.ટી. પ્લાઝાની પાછળ આવેલ વ્રજભૂમિ કોમ્પલેક્ષમાં ઘડિયાળની દુકાનમાંથી 74 હજાર રૂપિયાના ઈ-સિગારેટના જથ્થા સાથે ચારને દબોચ્યા છે.
SOGના સ્ટાફને બાતમી મળી હતી કે, કાલુપુર વલંદાની હવેલીની અંદર કે.ટી. પ્લાઝાની પાછળ આવેલ વ્રજભૂમિ કોમ્પલેક્ષમાં માયા ટ્રેડર્સ નામની ઘડિયાળની દુકાનમાં પ્રતિબંધિત અલગ-અલગ કંપનીની વેપ (ઈ-સિગારેટ)નો જથ્થો છે. જે બાદ બાતમીને આધારે રેડ કરવામાં આવી અને 74,400ની કિંમતની 62 નંગ વેપનો જથ્થો કબજે કરવામાં આવ્યો. આ ઉપરાંત એક યુવતિ એરપોર્ટ પરથી જુતામાં ઇ સિગારેટ લઈને જતા ઝડપાઇ ગઈ હતી. આ મામલે તેની સામે ગુનો નોંધી એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી.
અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર CISFના અધિકારીઓ ફરજ પર હતા ત્યારે ડ્યુટી પર તૈનાત એક સબ ઇન્સ્પેકટર પેસેન્જરની બોડી સ્કેનિંગ અને ચેકીંગ કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન જ એક યુવતી આવી અને તેને ચેક કરવામાં આવતા તેના સૂઝમાંથી પ્રતિબંધિત વસ્તુ હોવાનું સામે આવ્યું. જયારે તપાસ કરવામાં આવી ત્યારે સૂઝમાં ઇ સિગારેટ મળી આવી. બ્લ્યુબેરી, રાસબરી, ગ્રેપ આઇસ ફ્લેવરની આ ઇ-સિગારેટ વેપ મળી આવતા યુપીની રશીમની વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી.
પૂછપરછમાં તેણે જણાવ્યુ કે, પંચવટી ખાતે એક પાન પાર્લર પરથી તેણે આ વેપ રૂ.1500માં ખરીદી હતી. જે બાદ યુવતીને એરપોર્ટ પોલીસના હવાલે કરાઈ અને યુવતી સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019ની સેક્શન 7 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી. ચાર આરોપી પ્રકાશ ઉર્ફે પિન્ટુ આશુદાની, વિષ્ણુ ઠાકોર, રવિરાજસિંહ ચૌહાણ અને મહેશ વાઘેલાની ધરપકડ કરાઇ હતી. તેમની વિરુદ્ધ ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7, 8 મુજબની કાયદેસરની કાર્યવાહી કરી છે.