ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓ વધતી જઇ રહી છે અને તેમાં પણ સગીરાઓ અને યુવતિઓ સાથે દુષ્કર્મના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે વડોદરામાંથી હાલ એક દુષ્કર્મનો એવો કિસ્સો સામે આવ્યો છે, જે ખરેખર ચોંકાવનારો છે. સંસ્કારી નગરીમાં દુષ્કર્મની આ ઘટનાથી ચકચારી મચી જવા પામી છે. ઘટનામાં બન્યુ એવું છે કે ઘોરણ 11માં ભણતી સગીરા સાથે વાઘોડીયાના આજવા ગામના સરપંચના પુત્રએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. આ કિસ્સો સામે આવતા ચકચારી મચી ગઇ હતી.
દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી અને તેણે વાઘોડીયાની ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 કિલો અને 800 ગ્રામના તંદુરસ્ત પુત્રને હાલમાં જન્મ આપ્યો છે. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે સગીરાને માતા બનાવનાર વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, વાઘોડિયામાં રહેતી 15 વર્ષિય સગીરા ધોરણ-11માં અભ્યાસ કરે છે અને તેનો પ્રેમસંબંધ આજવા ગામના સરપંચના પુત્ર અને હાલ વાઘોડિયામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષિય વિશાલ વસાવા સાથે બંધાયો હતો.
ત્યારે નવ મહિના અગાઉ સગીરા અને વિશાલ ગામની સીમમાં મળ્યાં ત્યારે વિશાલે સગીરા સાથે સંબંધ બાંધ્યો અને બે દિવસ બાદ ફરી વિશાલે તેને ગામની સીમમાં બોલાવી અને સબંધ બાંધ્યો હતો. જો કે, બે વખત સંબંધ બાંધ્યા બાદ વિશાલે સગીરાને આ વાત કોઈને ન કહેવાનું જણાવ્યુ હતુ. સંબંધ બંધાયા બાદ સમય જતાં સગીરાનું માસિક આવવાનું બંધ થઇ ગયું અને આ વાત તેણે વિશાલને કરતાં વિશાલે કહ્યુ કે, આપણા બે વચ્ચે બંધાયેલા સંબંધની વાત કોઈને કરીશ નહિ.
જોકે, સગીરાએ માસિક ધર્મમાં આવવાનું બંધ થઇ ગયું હોવા છતાં પરિવારને ડરને કારણે જાણ કરી નહિ અને તે સ્કૂલમાં નિયમિત જતી રહી. જોકે, થોડા સમય બાદ પરિવારને આ વાતની જાણ થતા તેમણે આબરૂ ન જાય એવા ડરથી આ બાબતે પોલીસ ફરિયાદ કરી નહોતી. જો કે, સગીરા ગર્ભવતી બની અને બાળકને જન્મ આપવાનો સમય એકદમ નજીક આવ્યો ત્યારે સગીરાને પેટમાં દુખાવો શરૂ થતાં તેનાં માતા-પિતા જે હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં લઇ ગયા અને સગીરાએ આ દરમિયાન 2 કિલો 800 ગ્રામ વજનના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.
માતા બનનાર સગીરા હોવાથી અને દુષ્કર્મનો ભોગ બનેલી હોવાથી હોસ્પિટલ દ્વારા વાઘોડિયા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી. જે બાદ વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે વિશાલ વસાવા સામે કાર્યવાહી હાથ ધરી અને આરોપી વિશાલ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરવામાં આવી. પોલિસના જણાવ્યા અનુસાર, આ બનાવ ડિસેમ્બર-21થી આજદિન સુધીમાં બનેલો છે.